શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સૈનિકો સતત આતંકીઓનો ખાતમો કરી રહ્યાં છે. કાશ્મીર ખીણમાંથી આતંકવાદનો સફાયો કરવા માટે બહાદુરીથી સુરક્ષાદળો અભિયાન ચલાવી રહ્યાં છે. આ બધા વચ્ચે સુરક્ષાદળોએ આજે ઈતિહાસ રચીને લશ્કર એ તૈયબાના ખૂંખાર આતંકવાદી સહિત ચાર આતંકવાદીની ધરપકડ કરી છે. સૌથી મોટી વાત એ છે કે પકડાયેલા આતંકીઓમાં લશ્કર એ તૈયબાનો મુખ્ય સહયોગી વસીમ ગની પણ સામેલ છે. સુરક્ષાદળોને આ સફળતા બડગામમાં મળી છે. ઈન્ડિયન આર્મીની 53-આર આર (રાષ્ટ્રીય રાયફલ્સ) અને બડગામ પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં લશ્કર એ તૈયબાના એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ રવિવારે બડગામ જિલ્લાના બીરવા વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને ભારતીય સેનાના જોઈન્ટ ઓપેરશનમાં આ કાર્યવાહીને અંજામ અપાયો. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન ચલાવ્યું અને ચાર આતંકીઓને જીવતા દબોચ્યા. જેમાંથી એક લશ્કર એ તૈયબા આતંકી જૂથનો ટોપ મોસ્ટ આતંકી વસીમ ગની પણ સામેલ છે. 



પકડાયેલા અન્ય 3 લોકો વિસ્તારમાં આતંકવાદીઓને આશરો ઉપલબ્ધ કરાવતા હતાં. આ સાથે જ વિસ્તારમાં દહેશત ફેલાવવામાં મદદ કરતા હતાં. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોથી ઘાટીમાં પાકિસ્તાની આતંકીઓ કોઈ મોટી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં. 


આ અગાઉ પણ સુરક્ષાદળોએ 16મી મેના રોજ બડગામના અરિજલ ખાનસૈબ વિસ્તારમાં એક સુરંગની ભાળ મેળવી હતી. આ સાથે જ લશ્કર એ તૈયબાના મદદગાર ઝહૂર વાની સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. ત્યારથી પોલીસ અને આર્મીને આ લોકોના સાથીઓની તલાશ હતી.


પોલીસે જણાવ્યું કે આ સુરંગ આતંકવાદી ઝહૂર વાનીના ઘરની ખુબ નજીક હતી. આતંકવાદીઓ તેનો ઉપયોગ ભાગવામાં અને સુરક્ષાદળોથી બચવા માટે કરતા હતાં. સુરંગમાંથી ઢગલો સામાન મળ્યો હતો અને આતંકીઓ અનેક દિવસથી ત્યાં રોકાયેલા હતાં. આ સુરંગ ઝહૂર વાનીના ઘરથી લગભગ 500 મીટર દૂર છે.